80 બસ સુરતથી સૌરાષ્ટ્ર તરફ રવાના થશે, પહેલા દિવસે 18 બસ રત્નકલાકારોને લઈ પહોંચી

સૌરાષ્ટ્રવાસીનોને વતન જવા માટે સરકાર તરફથી એસટી બસની સુવિધા શરૂ કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકોએ વતનની વાટ પકડી છે. ગુરુવાર સવારથી સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન પર લાંબી કતારો લગાડવામાં આવી છે. બુધવારે મોડી રાત પછી સુરતથી 18 જેટલી એસટી બસો સૌરાષ્ટ્ર રવાના કરવામાં આવી હતી.

વહીવટીતંત્ર તરફથી મંજૂરી આપવામાં આવ્યા પછી સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ઉપરાંત ઉધના અને અડાજણ ડેપોમાંથી પણ એસટી બસો ઉપડી રહી છે. બુધવારે મહેસાણા, ભાવનગર, બોટાદ અને અમરેલી માટેના પ્રવાસીઓને રવાના કરવામાં આવ્યા હતા. અંદાજે 550 જેટલાં પ્રવાસીઓ રવાના થયા હતા.

અત્યારે પણ સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન પ્રવાસીઓએ લાંબી લાઇનો લગાવી છે. વહીવટીતંત્ર તરફથી આજે 80 જેટલી એસટી બસોની મંજૂરી આપવામાં આવી છે. પ્રવાસીઓ તરફથી જેમ-જેમ ફોર્મ ભરીને આપવામાં આવી રહ્યાં છે, તેમ-તેમ એ ફોર્મ મંજૂરી માટે મોકલવામાં આવી રહ્યાં છે. આ કામગીરી સતત ચાલી રહી છે.
દરમિયાન કોંગ્રેસ દ્વારા શ્રમિકોના ટ્રેનના ભાડાનો ખર્ચો ઉઠાવ્યા બાદ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત વતનમાં જવા માંગતા રત્નકલાકારો પાસેથી એસટી બસનું ભાડૂ સરકાર દ્વારા વસૂલવામાં આવી રહ્યું છે. એ અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે અમોએ આજે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે સરકારી કાયક્રમોમાં નિગમની બસો ફાળવવામાં આવે છે તો કપરા સમયમાં આંતર જિલ્લામાં જનાર પ્રવાસીઓને પણ રાહત આપવી જાઈએ. સરકાર અમને રાહત આપે તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ જતી નિગમની બસનો ખર્ચ કોંગ્રેસ પાર્ટી ઉઠાવવા તૈયાર છે. સરકારે કરવું જાઈતું હતું પરંતુ કર્યું નથી અને સરકાર અમો કરવા માંગીયે છે તો સહકાર આપતી નથી.

કામદારોને વતન મોકલવાની વાત હવે રાજકારણનો હિસ્સો બની ગઇ છે. પહેલા ભાજપે ટિકિટ લઇને મોકલવાની વાત કરી તો કોંગ્રેસે વિરોધ કર્યો અને તરત જ ભાજપ તરફથી સુધારો કરાયો. કોંગ્રેસ પોતે ટિકિટ આપવાની વાત કરે છે પરંતુ ખરેખર શું થાય છે તે તો આગામી દિવસોમાં જ ખબર પડશે. જોકે, રાજકારણથી જો લોકોની ભલું થાય તો તેમાં કોઇને વાંધો નથી. પરંતુ ખાલી દેખાડા માટેનું રાજકારણ ન હોય તે મહત્ત્વનું છે.

Leave a Reply